John 6

1પછી ઈસુ ગાલીલનો સમુદ્ર જે તિબેરિયસ કહેવાય છે, તેને પેલે કિનારે ગયા. 2ત્યાં લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો; કેમ કે તેમણે જે ચમત્કાર બીમાર લોકો પર કર્યા હતા, તે તેઓએ જોયા હતા. 3પછી ઈસુ પહાડ પર ગયા અને ત્યાં પોતાના શિષ્યો સાથે બેઠા.

4હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું. 5માટે ઈસુ ઊંચી નજર કરીને પોતાની પાસે આવતા મોટા સમુદાયને જોઈને ફિલિપને પૂછે છે કે, ‘તેમના ભોજનને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?’ 6જો કે ઈસુએ ફિલિપને પારખવા માટે એ પૂછ્યું હતું; કેમ કે ઈસુ પોતે શું કરવાના હતા તે તે પોતે જાણતા હતા.

7ફિલિપે તેમને જવાબ આપ્યો, ‘બસો દીનારની રોટલી તેઓને સારુ પૂરતી નથી કે, તેઓમાંના દરેકને થોડું થોડું મળે.’ 8તેમના શિષ્યોમાંના એક, એટલે સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા, તેમને કહે છે કે, 9‘એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી અને શાકમાં બે માછલી છે; પણ તે આટલાં બધાંને કેવી રીતે પૂરાં પડે?’

10ઈસુએ કહ્યું કે, ‘લોકોને બેસાડો.’ તે જગ્યાએ ઘણું ઘાસ હતું. અને તેઓ બેસી ગયા, પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની હતી. 11ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને પીરસી; માછલીઓમાંથી પણ જેટલું જોઈતું હતું તેટલું જ પીરસ્યું. 12તેઓ તૃપ્ત થયા પછી ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, ‘કંઈ નકામું ન જાય માટે વધેલો ખોરાક એકઠો કરો.’

13માટે તેઓએ તે એકઠો કર્યો અને તે જવની પાંચ રોટલીમાંનો જે વધેલો ખોરાક જમનારાઓએ રહેવા દીધો હતો, તેઓની બાર ટોપલી ભરી. 14માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કાર જોઈને કહ્યું કે, ‘જે પ્રબોધક જગતમાં આવનાર છે, તે ખરેખર આ જ છે.’ 15લોકો આવીને મને રાજા બનાવવા માટે જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલા ચાલ્યા ગયા.

16સાંજ પડી ત્યારે તેમના શિષ્યો સમુદ્ર કિનારે ગયા. 17હોડીમાં બેસીને તેઓ કપર-નાહૂમ જવાને સમુદ્રના સામેના કિનારે જતા હતા. તે સમયે અંધારું થયું હતું અને ઈસુ હજી તેઓની પાસે આવ્યા ન હતા. 18ભારે પવન આવવાથી સમુદ્ર ઊછળતો હતો.

19જયારે તેઓ હલેસાં મારીને આશરે પાંચ કે છ કિલોમીટર ગયા, ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડીની પાસે આવતા જોઈને તેઓ ગભરાઈ ગયા. 20પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘એ તો હું છું, ગભરાશો નહિ.’ 21ત્યારે આનંદથી તેઓએ ઈસુને હોડીમાં લીધા અને તેઓ જ્યાં જતા હતા તે જગ્યાએ હોડી તરત આવી પહોંચી.

22બીજે દિવસે, જે લોકો સમુદ્રને પેલે કિનારે ઊભા રહ્યા હતા તેઓએ જોયું કે, એક હોડી વિના બીજી તે સ્થળે ન હતી. અને તે હોડીમાં ઈસુ પોતાના શિષ્યો સાથે ગયા ન હતા, પણ એકલા તેમના શિષ્યો ગયા હતા. 23(તોપણ જ્યાં પ્રભુએ સ્તુતિ કર્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, તે સ્થળ પાસેના તિબેરિયસથી [બીજી] હોડીઓ આવી.)

24માટે જયારે તે લોકોએ જોયું કે ઈસુ તેમ જ તેમના શિષ્યો તે સ્થળે નથી, ત્યારે તેઓ પોતે હોડીઓમાં બેસીને ઈસુની શોધ કરતા કરતા કપર-નાહૂમ આવ્યા. 25પછી સમુદ્રને પેલે કિનારે તેઓએ તેમને મળીને પૂછ્યું કે, ‘ગુરુજી, તમે અહીં ક્યારે આવ્યા?’

26ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, તમે ચમત્કાર જોયા તે માટે મને શોધતા નથી, પણ તમે રોટલી ખાઈને તૃપ્ત થયા તે માટે શોધો છો. 27જે ખોરાક નાશવંત છે તેને માટે નહિ, પણ જે ખોરાક અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, તેને માટે મહેનત કરો; કેમ કે ઈશ્વર પિતાએ તેના પર મહોર કરી છે.’

28ત્યારે તેઓએ તેમને પૂછ્યું કે, ‘અમે ઈશ્વરનાં કામ કરીએ તે માટે અમારે શું કરવું જોઈએ?’ 29ઈસુએ તેઓને કહ્યું કે, ‘જેને તેમણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ ઈશ્વરનું કામ છે.’

30માટે તેઓએ તેમને કહ્યું, “તમે કયો ચમત્કાર દેખાડો છો કે અમે તે જોઈને તમારા પર વિશ્વાસ કરીએ? તમે શું કામ કરો છો? 31અમારા પૂર્વજોએ તો અરણ્યમાં માન્ના ખાધું, જેમ લખેલું છે કે, તેમણે સ્વર્ગમાંથી તેઓને ખાવાને રોટલી આપી.”

32ત્યારે ઈસુએ તેઓને કહ્યું, ‘હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, ‘તે રોટલી મૂસાએ સ્વર્ગમાંથી તમને આપી નથી, પણ સ્વર્ગમાંથી જે ખરી રોટલી [આવે] છે, તે મારા પિતા તમને આપે છે. 33કેમ કે સ્વર્ગમાંથી જે ઊતરીને જગતને જીવન આપે છે, તે ઈશ્વરની રોટલી છે.’ 34ત્યારે તેઓએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, તે રોટલી સદા અમને આપો.’

35ઈસુએ તેઓને કહ્યું, ‘જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે. 36પણ મેં તમને કહ્યું કે, તમે મને જોયો છે, તોપણ વિશ્વાસ કરતા નથી. 37પિતા મને જે આપે છે તે સર્વ મારી પાસે આવશે અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહિ જ મૂકીશ.

38કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને સ્વર્ગથી ઊતર્યો છું. 39જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા એ છે કે, તેમણે મને જે સર્વ આપ્યું છે, તેમાંથી હું કંઈ ખોઉં નહી, પણ છેલ્લા દિવસે તેને પાછું ઉઠાડું. 40કેમ કે મારા પિતાની ઇચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લા દિવસે હું તેને પાછો સજીવન કરીશ.’

41એ માટે યહૂદીઓએ તેમને વિષે બડબડાટ કર્યો; કેમ કે તેમણે કહ્યું હતું કે, ‘સ્વર્ગમાંથી ઊતરેલી રોટલી હું છું.’ 42તેઓએ કહ્યું કે, ‘યૂસફનો દીકરો, ઈસુ જેનાં માતા-પિતાને અમે ઓળખીએ છીએ, તે શું એ જ નથી? ત્યારે તે હમણાં એમ કેમ કહે છે કે, સ્વર્ગમાંથી હું ઊતર્યો છું?’

43ઈસુએ જવાબ આપ્યો કે, ‘તમે અંદરોઅંદર રકઝક ન કરો. 44જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેમની દોરવણી વગર કોઈ મનુષ્ય મારી પાસે આવી શકતો નથી; અને છેલ્લા દિવસે હું તેને પાછો સજીવન કરીશ. 45પ્રબોધક [નાં પુસ્તક] માં એમ લખેલું છે કે, ‘તેઓ સઘળા ઈશ્વરથી શીખેલા થશે. જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે, તે મારી પાસે આવે છે.

46કેમ કે કોઈ માણસે પિતાને જોયા નથી; ઈશ્વરની પાસેથી જે આવ્યો છે; તેણે જ પિતાને જોયા છે.’ 47હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, ‘જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે.

48હું જીવનની રોટલી છું. 49તમારા પૂર્વજોએ અરણ્યમાં માન્ના ખાધું, અને તેઓ મૃત્યુ પામ્યા.

50પણ જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી છે, તે એ જ છે કે જો કોઈ તે ખાય તો તે મૃત્યુ પામે નહિ. 51સ્વર્ગમાંથી ઊતરેલી જીવનની રોટલી હું છું; જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે; જે રોટલી હું આપીશ તે મારું શરીર છે, તે જગતના જીવનને માટે [હું આપીશ].’

52તે માટે યહૂદીઓએ અંદરોઅંદર વાદવિવાદ કરતાં કહ્યું કે, ‘એ માણસ પોતાનું શરીર આપણને ખાવાને શી રીતે આપી શકે?’ 53ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, જો તમે માણસના દીકરાનું શરીર ન ખાઓ અને તેનું રક્ત ન પીઓ, તો તમારામાં જીવન નથી.

54જે કોઈ મારું શરીર ખાય છે અને મારું રક્ત પીવે છે, તેને અનંતજીવન છે; છેલ્લા દિવસે હું તેને પાછો સજીવન કરીશ. 55કેમ કે મારું શરીર ખરેખરું ખાવાનું છે અને મારું રક્ત ખરેખરું પીવાનું છે. 56જે મારું શરીર ખાય છે અને મારું રક્ત પીવે છે, તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું.

57જેમ જીવતા પિતાએ મને મોકલ્યો છે અને હું પિતાને સહારે જીવું છું; તેમ જે મને ખાય છે, તે પણ મારે સહારે જીવશે. 58જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી તે એ જ છે; જેમ [તમારા] પૂર્વજો ખાઈને મૃત્યુ પામ્યા તેવી રોટલી એ નથી; પણ આ રોટલી જે ખાય છે, તે સદા જીવતો રહેશે.’ 59તેમણે કપર-નાહૂમના સભાસ્થાનમાં બોધ કરતાં એ વાતો કહી.

60એ માટે તેમના શિષ્યોમાંના ઘણાએ તે સાંભળીને કહ્યું કે, ‘આ વાત કઠણ છે, તે કોણ સાંભળી શકે?’ 61પણ મારા શિષ્યો જ તે વિષે કચકચ કરે છે એ ઈસુએ પોતાના મનમાં જાણીને તેઓને કહ્યું કે, ‘શું તે તમને ગેરમાર્ગે દોરે છે?

62ત્યારે માણસનો દીકરો જ્યાં પહેલાં હતો ત્યાં જો તેને પાછો ચઢતાં તમે જુઓ તો કેમ? 63જે જિવાડે છે તે આત્મા છે; માંસથી કંઈ લાભ થતો નથી. જે બાબતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.

64પણ તમારામાંના કેટલાક અવિશ્વાસીઓ છે.’ કેમ કે કોણ અવિશ્વાસી છે અને કોણ તેમને પરસ્વાધીન કરવાનો છે, તે ઈસુ પહેલેથી જાણતા હતા. 65તેમણે કહ્યું કે, ‘મેં એ જ કારણથી તમને કહ્યું કે, પિતા તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી.’

66આ સાંભળીને તેમના શિષ્યોમાંના ઘણા પાછા પડી ગયા. અને તેમની સાથે ચાલ્યા નહિ. 67તે માટે ઈસુએ બાર [શિષ્યો] ને પૂછ્યું કે, ‘શું તમે પણ જતા રહેવા ચાહો છો?’ 68સિમોન પિતરે તેમને જવાબ આપ્યો કે, ‘પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે. 69અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે, ઈશ્વરના પવિત્ર તે તમે છો.’

70ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘શું મેં તમો બારને પસંદ નહોતા કર્યા? પણ તમારામાંની એક વ્યક્તિ તો શેતાન છે.’ તેમણે તો સિમોનના [દીકરા] યહૂદા ઇશ્કરિયોત વિષે તે કહ્યું; કેમ કે તે, બાર શિષ્યોમાંનો હોવા છતાં, તેમને પરાધીન કરનાર હતો.

71

Copyright information for GujULB